વચનામૃત ગઢડા મધ્યનું - ૬૧
સંવત ૧૮૮૧ના શ્રાવણ વદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત શેલુ સોનેરી છેડાનું બાંધ્યું હતું અને એક બીજું શ્વેત શેલું ઓઢ્યું હતું અને શ્વેત ખેસ પહેર્યો હતો અને મોગરાનાં પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જેમાં ત્રણ વાનાં હોય તે પાકો સત્સંગી કહેવાય, તે ત્રણ વાનાં કિયાં તો એક તો પોતાના ઇષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે દૃઢ કરીને પાળે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે; અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશે દૃઢપણે હોય તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહિ ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહિ, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય; અને ત્રીજો પોતાના ઇષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો તે જેમ માબાપ, દીકરા, દીકરી તેનો પક્ષ રાખે છે, ને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, ને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો એ ત્રણ વાનાં જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. (૧) અને હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય જે એ મોટેરો સત્સંગી છે પણ મોટેરાની તો એમ પરીક્ષા છે, જે ગૃહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે, અને જે ઘડીએ પોતાના ઇષ્ટદેવ આજ્ઞા કરે જે તું પરમહંસ થા તો તે તત્કાળ પરમહંસ થાય, એવાં જેનાં લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે, પણ તેને જ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ-પરદેશમાં જાય ને ત્યાં કનક-કામિનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહિ, અને પોતાના જે જે નિયમ હોય તે સર્વે દૃઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. (૨) અને વળી જે કોઈક સંસારમાં રજોગુણી મોટું મનુષ્ય કહેવાતું હોય, ને તે જ્યારે સભામાં આવે ત્યારે તેને આદર કરીને સર્વે સભાને મોઢા આગળ બેસાર્યો જોઈએ, તે એ વ્યવહાર છે તે જ્ઞાની હોય, ત્યાગી હોય તેને પણ રાખ્યો જોઈએ, અને જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય છે, જેમ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ સમાધિમાં હતા, તે રાજાનું સન્માન થયું નહિ, પછી તે રાજાને રીસ ચડી તે મરેલ સર્પ હતો તે ઋષિના ગળામાં નાખ્યો, પછી તે ઋષિના પુત્રે શાપ દીધો તેણે કરીને તે રાજાનું સાત દિવસમાં મૃત્યુ થયું, અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે શિવજી ઊભા ન થયા, અને વચને કરીને પણ દક્ષનું સન્માન ન થયું, પછી દક્ષને રીસ ચડી તે શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો, પછી નંદીશ્વર ને ભૃગુ ઋષિ તેને સામસામા શાપ થયા પછી તે પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મૂઆં, અને વીરભદ્રે દક્ષનું માથું કાપીને અગ્નિમાં હોમ્યું અને દક્ષનું મુખ બકરાનું થયું, માટે ગૃહસ્થ તથા ત્યાગી એ સૌને એ રીત રાખવી જે સંસારવ્યવહારે જે મોટું માણસ કહેવાતું હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહિ, ને જો અપમાન કરે તો એમાંથી જરૂર દુઃખ થાય, અને ભજન-સ્મરણમાં પણ વિક્ષેપ થાય, માટે આ વાર્તા સત્સંગી ગૃહસ્થ સર્વે તથા ત્યાગી સર્વે દૃઢ કરીને રાખજ્યો. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૬૧।। (૧૯૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા કહેલા નિયમ તથા અમારો નિશ્ચય તથા અમારા ભક્તનો પક્ષ એ ત્રણ વાનાં જેને હોય તે પાકો સત્સંગી છે. (૧) અને અમારે ને અમારા સંતને અર્થે પોતાનું સર્વસ્વ કરી નાખે, ને સત્સંગને અર્થે માથું દે, અને અમે આજ્ઞા કરીએ તો પરમહંસ થાય તે સર્વે હરિભક્તમાં મોટો છે, અને ત્યાગી કનક-કામિનીમાં લેવાય નહિ, ને નિયમ દૃઢ રાખે તે ત્યાગીમાં મોટો છે. (૨) ને જ્ઞાની કે ત્યાગી હોય તેને પણ મોટા મનુષ્યનું સન્માન કરવું એમ કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં નિયમ કહ્યા તે કિયા જાણવા ?
૧ ઉ. શ્રીજીમહારાજે શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, જનશિક્ષા તથા નારાયણગીતામાં ત્યાગી-ગૃહીને જે પ્રમાણે વર્તવાનું કહ્યું છે તે નિયમ જાણવા.
૨ પ્ર. શ્રીજીમહારાજનો નિશ્ચય કહ્યો તે નિશ્ચય કેવો જાણવો ?
૨ ઉ. શ્રીજીમહારાજને જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ એ સર્વેના પોતાની અંતર્યામી શક્તિએ કરીને આધાર ને એ સર્વેના કર્તા ને નિયંતા ને સદા સાકાર મૂર્તિ ને એ સર્વેને અગમ્ય અને પોતાના મુક્તોને સુખના દાતા એવા જાણે તે નિશ્ચય કહેવાય.
૩ પ્ર. સત્સંગીનો પક્ષ રાખવાનો કહ્યો તે કેવા સત્સંગી હોય તેનો પક્ષ રાખવો ?
૩ ઉ. આમાં બીજી બાબતમાં ગૃહી-ત્યાગીનાં લક્ષણ કહ્યાં છે તે લક્ષણે યુક્ત હોય તેવાનો પક્ષ રાખવો, ને એવાને દુઃખે દુઃખી થાવું એમ કહ્યું છે. ।।૬૧।।